ચાઈનીઝ સાઈબર ફ્રોડમાં ભારતીય કાવતરાંખોરો નયન શાહ અને લાખન ઠક્કરની સંડોવણી બહાર આવી - Ojas Gujarat Jobs

Google Ads

Latest News

ચાઈનીઝ સાઈબર ફ્રોડમાં ભારતીય કાવતરાંખોરો નયન શાહ અને લાખન ઠક્કરની સંડોવણી બહાર આવી

 ઉત્તર ગુજરાતમાં 1,200 લોકો સાથે ચીનના નાગરિક વૂ ઉયાન્બે (Woo Uyanbe) દ્વારા રૂ. 1,400 કરોડની છેતરપિંડી કર્યાના કેસમાં પોલીસ તપાસમાં નવો ઘટસ્ફોટ થયો છે. આ કૌભાંડમાં હવે દુબઈ સ્થિત બે ભારતીયોની સંડોવણી બહાર આવી છે. ફૂટબોલમાં બેટિંગ એપ ‘દાની-ડેટા’ (Dani Data) ઉત્તર ગુજરાતના લોકો સમક્ષ લઈ આવવામાં બે ભારતીયો નયન શાહ (Nayan Shah) અને લાખન ઠક્કરે (Lakhan Thakkar) મહત્વની ભૂમિકા ભજવી હતી.


ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે, દુબઈ સ્થિત લાખન ઠક્કર અને નયન શાહે વૂ ઉયાન્બેની એપને લોકો સુધી પહોંચાડીને તેમને છેતરવાનું કાવતરું સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે છેતરપિંડીના આ કાવતરાંને મે 2022માં ‘દાની-ડેટા’ નામની સોકર પ્રીડિક્ટિંગ એપ મારફત ‘રોકાણની તક’માં ખપાવ્યું હતું.

તપાસ એજન્સીએ ઠક્કર અને નયન શાહ વિરુદ્ધ લૂક આઉટ સર્ક્યુલર્સ (LOC) જારી કર્યા છે. ઓથોરિટીએ ચેતવણી આપી છે કે બંને ભારતીયો સામે રેડ કોર્નર નોટિસ (RCN) પણ જારી થઈ શકે છે. આરોપીઓ સામે IPCની કલમ 465, 468 અને 471હેઠળ કેસ નોંધાયો છે. 

તપાસ દરમિયાન ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે રાજ્યમાં આ કૌભાંડમાં શકમંદો સાથે સંકળાયેલા 100 જેટલા બેન્ક એકાઉન્ટ શોથી કાઢ્યા હતા, જેમાંથી 20 એકાઉન્ટ અમદાવાદમાં હતા. પોલીસે કહ્યું હતું કે આ કૌભાંડના નાણાં હવાલા નેટવર્કના ગેરકાયદે માર્ગે ભારતથી દુબઈ અને ત્યાંથી યુરોપીયન દેશોમાં મોકલાયા હતા, જેનો ઉપયોગ ટેરર ફન્ડિંગ માટે થતો હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

વધુમાં આ કૌભાંડમાં બનાવટી કંપનીઓ સાથે સંકળાયેલા અનેક નકલી બેન્ક એકાઉન્ટ્સ પણ પકડાયા છે. ‘પેન્થર ટ્રેડિંગ કંપની’ નામના એકાઉન્ટમાંથી જ રૂ. 900 કરોડના નાણાકીય વ્યવહાર થયા હતા. હવે આ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને જીએસટી વિભાગ સાથે મળીને તપાસ કરી રહ્યા છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘તપાસ દરમિયાન જણાયું હતું કે, ચીની નાગરિક વૂ ઉયાન્બે 2020થી 2022 વચ્ચે ભારતમાં આવ્યો હતો અને તે પાટણ અને બનાસકાંઠામાં રોકાયો હતો. તેણે સ્થાનિક રહેવાસીઓને ટૂંકા સમયમાં નાણાં ઊભા કરવાની લાલચ આપી હતી. ગુજરાતમાં લાખન ઠક્કર અને નયન શાહ સહિત કેટલાક લોકો સાથે સાંઠગાંઠ કરીને તેણે મે 2022માં ‘દાનિ-ડેટા’ એપ્લિકેશન લોન્ચ કરી હતી, જે યુરોપીયન ફૂટબોલમાં બેટિંગની સુવિધા પૂરી પાડતી હતી. ફૂટબોલમાં બેટિંગ મારફત તેમણે લોકોને જંગી વળતરની લાલચ આપી હતી.’

ઉયાન્બેએ ફૂટબોલની રમત મારફત પ્રાથમિક રીતે દૈનિક 15થી 75ની વયના લોકોને નિશાન બનાવીને સરેરાશ દૈનિક રૂ. 200 કરોડ ઊભા કર્યા હતા અને માત્ર નવ જ દિવસમાં અંદાજે રૂ. 1,400 કરોડ ભેગા કરીને ઉયાન્બે ભાગી ગયો હતો. ત્યાર પછી અચાનક એપ્લિકેશન બંધ થઈ જતાં લોકોને તેઓ છેતરાયા હોવાનો ખ્યાલ આવ્યો હતો.

ગુજરાત પોલીસે ઑગસ્ટ 2022માં આ કેસ હાથ પર લીધો હતો અને તપાસ હાથ ધરી હતી. તેણે ઈન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી હતી. સૂત્રોનું કહેવું છે કે આ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ હજુ પણ કામ કરી રહ્યો છે અને ચીનના શેન્ઝેન, હોંગકોંગ તથા સિંગાપોર સહિતના પ્રદેશોમાંથી તેનું નેટવર્ક ચલાવી રહ્યો છે. તેણે ડિજિટલ ફ્રોડ માટે દાની-ડેટા જેવી અનેક એપ્લિકેશન્સ બનાવી છે.

આ વર્ષના પ્રારંભમાં સીઆઈડી (ક્રાઈમ)ના સાઈબર સેલ ઓફિસરોએ આ એપ્લિકેશનના ઓપરેટરો સામે આરોપનામું દાખલ કર્યું હતું. ઉયાન્બે સામે રેડ કોર્નર નોટિસ જારી કરાઈ હોવા છતાં તે દેશમાંથી ભાગી જઈને ચીનમાં છુપાયો હોવાનું મનાય છે. દરમિયાન આ કૌભાંડમાં પોલીસે અત્યાર સુધીમાં મનોજ કુમાર પટેલ, વૃષભ મકવાણા અને વિજયકુમાર જદન રામ સહિત 9 લોકોની ધરપકડ કરી છે.

No comments